ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુગારીઓ પર સકંજો કસવામાં આવ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસે નદીના પાણીમાં કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા જુગારીઓને ઝડપી પાડ્યા છે.
ડ્રોન દ્વારા 'બાજ નજર' અને પોલીસના દરોડા
ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ ખાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ વિસ્તાર ભૌગોલિક રીતે મુશ્કેલ હોવાથી, LCBની ટીમે જુગારીઓની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન ફૂટેજમાં જુગારીઓ સ્પષ્ટ દેખાતા પોલીસની ટીમે ચારેબાજુથી ઘેરો ઘાલ્યો હતો.
પોલીસને જોઈ જુગારીઓ પાણીમાં ખાબક્યા
પોલીસનો દરોડો પડતા જ જુગાર રમતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. પકડાઈ જવાની બીકે કેટલાક જુગારીઓ બાજુમાં આવેલા નદીના ખાર વિસ્તારના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. જોકે, પોલીસે સતર્કતા દાખવીને સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
મુદ્દામાલ અને ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે જાહિદ સીદાતર, દિલીપ થારતીયા અને ઇમ્તિયાઝ સમા.રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ 37,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે કુલ 8 જુગારીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર થઈ ગયેલા અન્ય 5 શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈટેક સાધનોના ઉપયોગથી કરવામાં આવેલી આ કામગીરીને પગલે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ