ભાવનગર શહેરમાં સામાન્ય બાબતમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના સુભાષનગર આવાસ યોજનામાં બની છે, જ્યાં ફૂલના કુંડા મૂકવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.


ભાવનગરમાં ફૂલના કુંડા મુકવા બાબતે મારામારી 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુભાષનગર ગોકુલ સોસાયટી પાસે આવેલી આવાસ યોજનામાં રહેતા એક પરિવારે પોતાના ઘર પાસે ફૂલછોડના કુંડા મૂક્યા હતા. આ કુંડાને અમુક શખ્સોએ ફોડી નાખતા ઘરના મોભીએ તેમને ઠપકો આપ્યો હતો.આ સામાન્ય ઠપકાની દાઝ રાખીને પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને આ આખા પરિવાર પર હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો. હુમલામાં પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મારામારીની ઘટના આસપાસ લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ પણ હવે સામે આવ્યા છે.

પોલીસે CCTVના આધારે તપાસ શરુ કરી 

હુમલો થયા બાદ પીડિત પરિવાર વતી યુવકની પત્નીએ તાત્કાલિક ઘોઘા રોડ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાના CCTV ફૂટેજ મેળવી લીધા છે અને તેના આધારે હુમલો કરનારા પાંચેય શખ્સોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક નજીવી બાબતને લઈને બનેલી આ ઘટનાએ આવાસ યોજનામાં રહેતા અન્ય પરિવારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

  • Follow us on: