અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના હજુ શાંત પડી નથી, ત્યાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાંથી પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલા ભોજનમાં ઈયળ નીકળતા દર્દીઓ અને તેમના સગામાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટના બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને રસોડા વિભાગમાં તપાસના આદેશ આપ્યા છે.
ભોજનમાં ઈયળ નીકળતા મચ્યો હોબાળો
ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને જ્યારે સવારનું ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે તેમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ બાબતની જાણ થતા જ હોસ્પિટલ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. અગાઉ અમદાવાદની હોસ્પિટલમાં પણ આવી ઘટના બની હોવાથી ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તુરંત એક્શન મોડમાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીઓની ટીમ દ્વારા હોસ્પિટલના રસોડા વિભાગમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
4 કિલો અખાદ્ય મસાલાનો નાશ કરાયો
તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને રસોડામાંથી 4 કિલો જેટલું ધાણાજીરું અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળું મળી આવ્યું હતું. આ જથ્થો દર્દીઓના ભોજનમાં વપરાય તે પહેલા જ તંત્રએ તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત, રસોડામાં તૈયાર કરવામાં આવેલા શાક અને ભાતના નમૂનાઓ લઈને તેને સીલ કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે.
દરરોજ 2000 લોકો લે છે ભોજન
નોંધનીય છે કે, ભાવનગરની આ સરકારી હોસ્પિટલમાં દરરોજ સવાર-સાંજ થઈને અંદાજે 2000 જેટલા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભોજન પીરસવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો જ્યાં ભોજન લેતા હોય ત્યાં રસોડામાં જોવા મળેલી આ ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે. દર્દીઓના સગાઓએ માંગ કરી છે કે ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય.
આ પણ વાંચો - Bhavnagar News: ભાવનગર-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, રાજપરા જતા સંઘને અકસ્માત નડતા એકનું મોત