આદ્રાના આરંભે અડધુ ભાવનગર જળબંબાકાર થઈ ગયુ હતુ. તો શહેરના પિૃમમાં સામાન્ય વરસાદ પડયો હતો. પ્રથમ રાઉન્ડમાં જ શહેરના બે ભાગમાં વધુ ઓછો વરસાદ પડયો હતો. મહાપાલિકા તંત્રએ વોર્ડ વાઈઝ ટીમો દોડાવી હતી. ખોદેલા રોડમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર પવન ફુંકાયો હતો. ભાવનગર શહેરમાં 47 મી.મી. વરસાદ ખાબક્યો શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો 25થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાય છતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં રાહત જન્મી હતી. જ્યારે જિલ્લામાં ઘોઘા, મહુવા, ગારીયાધાર અને જેસરમાં પણ વરસાદ પડયો હતો.
આદ્રા નક્ષત્રનો આરંભ થયો છે. 22 જુનથી 6 જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર રહેશે. કહેવત છે કે, 'વરસે આદરા વરસે તો બારે માસ વરસે અને આદરા કોરા તો બારે માસ કોરા' 'જો વરસે આદરા, તો ધાનના ન રહે પાદરા' ભાવનગર શહેર જ નહીં પણ જિલ્લાભરમાં વધુ ઓછો વરસાદ ખાબક્યો છે. ચોમાસાનો વીધીવત આરંભ થતા ખેડૂતોમાં પણ રાહતની લાગણી જન્મી છે.










