ભાવનગરના બગદાણામાં કોળી યુવકને માર મારવાના ચકચારી કેસમાં પોલીસ તપાસ હવે ડિજિટલ પુરાવા તરફ વળી છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે ઝડપાયેલા તમામ 8 આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કરી લીધા છે. હાલમાં આ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પરંતુ હુમલા સમયે તેઓ કોના સંપર્કમાં હતા અને આ ઘટના પાછળ કોઈ પૂર્વઆયોજિત કાવતરું હતું કે કેમ, તે જાણવા માટે મોબાઈલ ડેટાની તપાસ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
બગદાણા હિંસા અપડેટ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કબ્જે કરવામાં આવેલા મોબાઈલ ફોનમાંથી કોલ ડિટેલ્સ (CDR) અને લોકેશન ડેટા કઢાવવામાં આવશે. આ ટેકનિકલ તપાસના આધારે હુમલા સમયે આરોપીઓની હાજરી અને તેમની વાતચીતના પુરાવા એકત્ર કરવામાં આવશે, જે કોર્ટમાં કેસને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. મોબાઈલ ડેટાના વિશ્લેષણ બાદ આ હિંસક ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
