ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે એક 22 વર્ષના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ પરિવારે લગાવ્યો છે.અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની 22 વર્ષીય નીરજ વ્યાસને ધોલેરા નજીક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નીરજને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહીં તેને સમયસર અને યોગ્ય સારવાર ન મળી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
નર્સ દ્વારા દર્દીનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું
મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર,ડ્યુટી પર હાજર નર્સ દ્વારા દર્દીનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું હતું,જેના કારણે નીરજની તબિયત અચાનક વધુ બગડી ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.પરિવારે એવો પણ દાવો કર્યો છે કે હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે પણ આ સમગ્ર મામલે પોતાની બેદરકારી થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો.
