ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા આવાસ યોજનાના મકાનોમાં થતા નિયમ ભંગને રોકવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તરસમિયા રોડ પાસે આવેલી મહાદેવનગર આવાસ યોજનામાં મનપાની ટીમોએ અચાનક સર્વે હાથ ધરતા લાભાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
તરસમિયા આવાસ યોજનામાં સર્વે
મનપાની 7 જેટલી ટીમો દ્વારા આવાસ યોજનાના કુલ 252 આવાસોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, જેવો સર્વે શરૂ થયો કે તરત જ 67 લોકો પોતાના આવાસને તાળા મારીને ત્યાંથી છટકી ગયા હતા. આ બાબત સ્પષ્ટ કરે છે કે અનેક આવાસોમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ભાડુઆતો સામે લાલ આંખ
સરકારી આવાસ યોજનાના નિયમ મુજબ, જે વ્યક્તિને આવાસ ફાળવવામાં આવ્યો હોય તેણે પોતે જ ત્યાં રહેવું ફરજિયાત છે, તેને ભાડે આપી શકાતું નથી. જોકે, તપાસ દરમિયાન 252 આવાસો પૈકી 27 આવાસોમાં ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું હતું.મનપાની ટીમે તાત્કાલિક અસરથી આ તમામ ભાડુઆતોને 7 દિવસમાં આવાસ ખાલી કરવા માટેની નોટિસ અને કડક સૂચના આપી છે.
તંત્રની આગામી વ્યૂહરચના
જે 67 મકાનોને તાળા મારેલા મળી આવ્યા છે, તેમના માલિકો સામે પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. જો તે મકાનો પણ ભાડે આપેલા જણાશે અથવા મૂળ લાભાર્થી ત્યાં રહેતા નહીં હોય, તો મનપા દ્વારા આવાસની ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: Talala: વીજ પોલ હટાવ્યા વગર જ વચ્ચે રસ્તો બનાવી દીધો; વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું