ભાવનગર શહેરમાં ઓનલાઈન માધ્યમથી ચાલતા જુગારના એક મોટા અખાડા પર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સફળતાપૂર્વક દરોડો પાડવામાં આવ્યો છે. LCBએ શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા આ જુગારધામ પર સપાટો બોલાવીને જુગાર રમતા અને રમાડતા કુલ ૧૨ શખસોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા.


 જુગારની મોડસ ઓપરેન્ડી

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, જુગારમાં વપરાતી કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ ₹૧,૯૨,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર LCB સ્ટાફને બાતમી મળી હતી કે, આડોડિયા વાસમાં રહેતા ભીખાભાઇ કનુભાઇ પરમાર તેમની માલિકીની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ (રહે. આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવતા હતા. આ આરોપીઓ દુકાનમાં રાખેલા મશીનો પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવીને હારજીતનો જુગાર રમાડતા હતા.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ ગ્રાહકોને 'ઓનેસ્ટ-1' અને 'સેફરોન' નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી તથા યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર ચલાવી રહ્યા હતા. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા અને લગાવેલી રકમ સીધી જતી રહેતી હતી.

 પકડાયેલા આરોપીઓની ઓળખ

પોલીસે સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા ૧૨ શખસોને દબોચી લીધા છે, જેમાં વિદ્યાર્થી, નોકરિયાત, વેપારી અને રિક્ષાડ્રાઈવર સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: