મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત છે અને સ્ટેશન પર આવેલા તમામ લેવલ ક્રોસિંગ ગેટ્સની રિયલ-ટાઈમ મોનિટરિંગ સુનિશ્ચિત કરે છે.

ઉજળવાવ રેલવે સ્ટેશન પર કુલ 5 લેવલ ક્રોસિંગ ગેટ

ઉજળવાવ રેલવે સ્ટેશન પર કુલ 5 લેવલ ક્રોસિંગ ગેટ—177/C, 178/C, 180/C, 181/C અને 182/C—સ્ટેશન માસ્ટર દ્વારા નિયંત્રિત થાય છે. જેમાંથી ગેટ નંબર 180/C અને 181/C સી.ટી.આર.ટી. (Closed To Road Traffic) શ્રેણીના છે, જે સામાન્ય રીતે માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહે છે. જ્યારે 177/C, 178/C અને 182/C ઓ.ટી.આર.ટી. (Open To Road Traffic) ગેટ્સ છે, જેને જરૂરીયાત મુજબ બંધ કરવામાં આવે છે.

ગેટની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ હોવાથી તે વિઝ્યુઅલ પ્રૂફ તરીકે કાર્ય કરે છે

આ આધુનિક સિસ્ટમ હેઠળ તમામ ગેટ્સ પર RFID (Radio Frequency Identification) સેન્સર લગાવવામાં આવ્યા છે, જે બૂમ બેરિયર અને લોકિંગ મિકેનિઝમ પર સ્થાપિત છે. આ સેન્સર ગેટની સ્થિતિ—ગેટ ખુલ્લું છે, ગેટ બંધ છે પરંતુ લોક નથી, ગેટ બંધ અને લોક છે અથવા કોઈ ખામી છે—તેનો ચોક્કસ સંકેત આપે છે. જ્યારે બૂમ બેરિયર નીચે કરી લિવર દ્વારા સંપૂર્ણપણે લોક કરવામાં આવે છે, ત્યારે સેન્સર તેની સ્થિતિ ઓળખીને સંબંધિત માહિતી રિયલ-ટાઈમમાં સ્ટેશન માસ્ટર અને ગેટમેનના કન્સોલ પર દર્શાવે છે. આથી કામગીરીમાં પારદર્શિતા વધે છે, જવાબદારી સુનિશ્ચિત થાય છે અને સુરક્ષા ધોરણોમાં નોંધપાત્ર સુધારો થાય છે. અગાઉ ગેટની સ્થિતિની પુષ્ટિ માત્ર મૌખિક માહિતી, પ્રાઈવેટ નંબરના આદાન-પ્રદાન અને રજિસ્ટર એન્ટ્રી પર આધારિત હતી. હાલ પણ રેલવેના નિયમો મુજબ પ્રાઈવેટ નંબરનો ઉપયોગ ચાલુ છે, પરંતુ હવે કન્સોલ પર ગેટની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ હોવાથી તે વિઝ્યુઅલ પ્રૂફ તરીકે કાર્ય કરે છે.

નવીનતમ ટેક્નોલોજી દ્વારા રેલ સુરક્ષાને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ

કોઈપણ ટ્રેનના આગમન પહેલા, સ્ટેશન માસ્ટર દ્વારા લાઇન ક્લિયર આપતા પહેલા ખાતરી કરવામાં આવે છે કે સંબંધિત તમામ ગેટ્સ સંપૂર્ણપણે બંધ અને લોક છે. જેમ જ આ સ્થિતિ સેન્સર દ્વારા પુષ્ટિ થાય છે, કન્સોલ પર લીલો સંકેત (ગ્રીન ઇન્ડિકેશન) દર્શાય છે, ત્યારબાદ જ ટ્રેનને સેકશનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. ટ્રેન પસાર થયા પછી, ઓ.ટી.આર.ટી. ગેટ્સ (177/C, 178/C અને 182/C) સામાન્ય રીતે માર્ગ વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવે છે, જ્યારે સી.ટી.આર.ટી. ગેટ્સ (180/C અને 181/C) જરૂરી મુજબ સ્ટેશન માસ્ટરની મંજૂરીથી સંચાલિત થાય છે. આ સિસ્ટમ દરેક સ્થિતિને તાત્કાલિક અપડેટ કરતી રહે છે અને ઉજળવાવ સ્ટેશન પર તમામ ગેટ્સ માટે સમાન રીતે કાર્ય કરીને રેલવે સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહી છે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેનો ભાવનગર મંડળ નવીનતમ ટેક્નોલોજી દ્વારા રેલ સુરક્ષાને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવા નવાચાર ચાલુ રહેશે.


આ પણ વાંચો : Surat News : કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાનું વધુ કારનામું, હૃદય અને કેન્સરની સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ