ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની નિર્મમ હત્યા કરીને મૃતદેહ દાટી દેવાના ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાને કોર્ટે સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.


 પ્રેમ સંબંધ હત્યાનું કારણ

રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે ACF શૈલેષ ખાંભલાએ પ્રેમ સંબંધને કારણે જ પોતાના પરિવારની હત્યા કરી હતી.શૈલેષ ખાંભલાને જૂનાગઢ વન વિભાગમાં ફરજ બજાવતી તેનાથી 10 વર્ષ નાની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસ તપાસમાં યુવતી સાથે થયેલું વોટ્સએપ ચેટિંગ પણ સામે આવ્યું છે, જેમાં યુવતીએ કોઈપણ ભોગે શૈલેષને પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલ, પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રેમ સંબંધ જ આ ટ્રિપલ મર્ડરનું મૂળ કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 કપડાંની બેગ અને અન્ય પુરાવાની શોધખોળ

પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાની ઓળખ પરેડ (Identification Parade) કરાવવામાં આવી છે અને તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.રિમાન્ડ દરમિયાન, હત્યા બાદ શૈલેષ ખાંભલાએ હત્યામાં ઉપયોગમાં લીધેલા કેટલાક કપડાંની બેગને તળાજાની શેત્રુંજી નદીમાં નાખી દીધી હોવાની માહિતી મળી છે. આ પુરાવાઓને મેળવવા માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શેત્રુંજી નદીમાં બેગની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 પોલીસની વધુ કાર્યવાહી

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે વન વિભાગના કર્મચારીઓના CRPCની કલમ 164 મુજબ નિવેદનો નોંધ્યા છે. આ નિવેદનો કેસમાં મહત્વના સાબિત થઈ શકે છે. પત્ની અને બે સંતાનોની હત્યા કરી તેમના મૃતદેહોને દાટી દેવાના આ ધૃણાસ્પદ કૃત્યથી સમગ્ર ભાવનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યાના અન્ય રહસ્યો અને યુવતી સાથેના સંબંધોની વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.

  • Follow us on: