ભાવનગર શહેરના એસ.ટી. (ST) વર્કશોપમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે સ્થળે બસોનું મિકેનિકલ કામ અને સર્વિસ કરવામાં આવે છે, તે જ સ્થળ દારૂનો અડ્ડો બની ગયું હોવાનું સામે આવ્યું છે.

એસ.ટી વર્કશોપ બની ગયું દારૂનો અડ્ડો

નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા એસ.ટી. વર્કશોપમાં અચાનક રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન વર્કશોપના સ્ટોરેજ વિભાગ તેમજ વોશરૂમ સહિતની જગ્યાઓ પર છુપાવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂ મળતા એસ.ટી. તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો

આ અંગે એસ.ટી.ના ડેપો મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે. ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, આ વર્કશોપમાં બસના ડ્રાઇવરોની અંગત પેટીઓ (લોકર/બોક્સ) રાખવામાં આવતી હોય છે. પોલીસને આ ડ્રાઇવરોની પેટીઓમાંથી જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસે હાલમાં દારૂનો જથ્થો જપ્ત કરીને આ ગુનામાં સંડોવાયેલા ડ્રાઇવરો અને અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. સરકારી જગ્યા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ