ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન શિક્ષણ જગતને લજવતી ઘટના સામે આવી છે. વલ્લભીપુરની ગંભીરસિંહ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની બહાર રસ્તા પર ઉડતી કાપલીઓએ પરીક્ષાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
ગંભીરસિંહ હાઈસ્કૂલ બહાર ઉડી કાપલીઓ
ધોરણ 12ના ભૂગોળના પેપર દરમિયાન આ ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર નીકળતી વખતે મોટા પ્રમાણમાં ચોરીની કાપલીઓ રસ્તા પર ફેંકી રહ્યા છે. રસ્તા પર પડેલી કાપલીઓના ઢગલા એ વાતની સાક્ષી પૂરે છે કે પરીક્ષા ખંડની અંદર નિરીક્ષકોની હાજરી હોવા છતાં વિદ્યાર્થીઓ નિર્ભય બનીને ચોરી કરી રહ્યા હતા. આ ઘટનાએ કેન્દ્ર પર હાજર શિક્ષકો અને સ્થાનિક શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી છતી કરી છે.













