ભાવનગર-રાજકોટ હાઈવે પર લીમડા ગામ નજીક ગત રાત્રિએ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતું બુલેટ અચાનક ડિવાઈડર સાથે અથડાતા ત્રણ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે જાળીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભાવનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરાળા તાલુકાના જાળીયા ગામના ત્રણ મિત્રો ગત રાત્રિએ બુલેટ (નંબર: GJ-01-MV-1775) પર સવાર થઈને લીમડા ગામ ખાતે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. નાસ્તો કરી પરત ફરી રહ્યા હતા ત્યારે લીમડા ગામ નજીક બુલેટ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા બુલેટ સીધું ડિવાઈડર સાથે અથડાયું હતું.
ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા
અકસ્માત એટલો ભીષણ હતો કે બુલેટ પર સવાર સદ્દામખાન દોલતખાન પઠાણ અને કમલેશભાઈ ડાભીનું ઢસાની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રીજા મિત્ર સંજયભાઈ સોલંકીને વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું.
પોલીસ કાર્યવાહી
આ સમગ્ર મામલે ઉમરાળા પોલીસ મથકે મૃતક બુલેટ ચાલક સદ્દામખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. FIR મુજબ, બુલેટ અતિશય પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું નોંધાયું છે. એક સાથે ત્રણ યુવાનોના મોતથી જાળીયા ગામમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Bhavnagar: સિહોરના ભુતિયા ગામે વાડીમાં મજૂરો વચ્ચે થયેલી મારામારી હત્યામાં પલટાઈ, ગોધરાના યુવકનું સારવાર દરમિયાન મોત