ભાવનગરનું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે બંધ થઈ જશે. વન વિભાગના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને કુદરતી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ સમયગાળા માટે રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ રાખવાના નિયમ અંતર્ગત આ વહીવટી આદેશ જાહેર કરાયો છે.
શા માટે ચોમાસામાં પાર્ક બંધ રાખવો અનિવાર્ય છે?
ચોમાસાના ચાર મહિના એટલે કે જૂનથી ઓક્ટોબર દરમિયાન વેળાવદરના ભાલ પ્રદેશના ઘાસિયા મેદાનમાં કાળિયાર ઉપરાંત અત્યંત દુર્લભ ગણાતા 'ખડમોર' પક્ષીઓ અને વરુ જેવા પ્રાણીઓનો સંવનનકાળ (મેટીંગ પીરિયડ) હોય છે. આ સમયગાળા દરમિયાન ગર્ભવતી માદા કાળિયાર અને અન્ય પક્ષીઓ એકાંત ઈચ્છતા હોય છે. જો પાર્કમાં પ્રવાસીઓની ગાડીઓ અને માનવ દખલગીરી ચાલુ રહે, તો વન્યજીવોમાં ભય અને તણાવ પેદા થાય છે, જે તેમની વંશવૃદ્ધિ પર માઠી અસર કરે છે. આ ઉપરાંત, ચોમાસામાં વરસાદને કારણે ભાલ પંથકના નીચાણવાળા કાચા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી કાદવ-કીચડ થઈ જાય છે, જેથી પ્રવાસી વાહનો (સફારી જીપ) અંદર જઈ શકે તેવી સ્થિતિ રહેતી નથી.










