કચ્છ જિલ્લાના વહીવટી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લાના વહીવટીતંત્ર સાથે કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કચ્છના વિકાસમાં અવરોધરૂપ વણઉકેલ્યા પ્રશ્નોને પ્રાથમિકતા આપી તત્કાલ ઉકેલવા એ સરકારની નેમ છે.

પ્રભારી મંત્રીએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી

બેઠક દરમિયાન જિલ્લાના ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓએ લોકોની પાયાની જરૂરિયાતો અંગે રજૂઆતો કરી હતી. જેમાં મુખ્યત્વે વીજળીની અનિયમિતતા, પીવાના પાણીની અછત, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ખરાબ રસ્તા અને સરકારી જમીનો પરના દબાણ જેવા ગંભીર મુદ્દાઓ ચર્ચાયા હતા. મંત્રીએ આ તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપી હતી.

યાત્રાધામનો વિકાસ કરવાની નેમ વ્યકત કરી

વહીવટી સમીક્ષાની સાથે મંત્રીએ કચ્છના નાના-મોટા યાત્રાધામોના વિકાસ માટેની સરકારની યોજનાઓ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કચ્છના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવી રાખી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાની ખાતરી આપી હતી. બેઠકમાં કલેક્ટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો