કચ્છના ભુજમાં સસ્તા સોનાના નામે માસૂમ લોકોને શિકાર બનાવતી ગેંગનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. સસ્તું સોનું અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી 29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ઠગાઈના 24 લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરવામાં સફળતા મળી છે.
આરોપી પાસેથી 24 લાખની રોકડની રિકવર કરાઈ
આરોપીઓએ ફરિયાદીને બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તા ભાવે સોનું અપાવવાની જાળ બિછાવી હતી. લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી 29 લાખ રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓ પલાયન થઈ ગયા હતા. ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એલસીબીની ટીમે છટકું ગોઠવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
