કચ્છના મુખ્ય મથક ભુજના આકાશમાં શુક્રવારની રાત્રે રહસ્યમય લાઈટોની એક હારમાળા જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું. સોશિયલ મીડિયા પર આ લાઈટોના વીડિયો વાયરલ થતા લોકો તેને 'રહસ્યમય પદાર્થ' કે 'UFO' સમજી બેઠા હતા. જોકે, આ બાબતે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર મામલો માત્ર એક મનોરંજન કાર્યક્રમનો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાગ મહેલના કાર્યક્રમનો વીડિયો આવ્યો સામે
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ભુજના ઐતિહાસિક પ્રાગ મહેલ ખાતે એક ખાનગી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે આકાશમાં મોટી સંખ્યામાં 'એલઈડી લાઈટવાળા ફુગ્ગાઓ' છોડવામાં આવ્યા હતા. આ ફુગ્ગાઓ પવનની ગતિ સાથે આકાશમાં એક હારમાળામાં ઉપર જતા હોવાથી તે નીચેથી જોનારાઓને કોઈ રહસ્યમય લાઈટ જેવું દેખાતું હતું.
અફવાઓ પર વિરામ
સમારોહ દરમિયાન જ્યારે આ ફુગ્ગાઓ છોડવામાં આવ્યા ત્યારે તેનો વીડિયો પણ લેવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રહેલી શંકા-કુશંકાઓ દૂર થઈ છે. પોલીસે પણ સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ આકાશી ઘટના કે ચિંતાનો વિષય નથી, માત્ર ફુગ્ગાઓના કારણે આ પ્રકાશ જોવા મળ્યો હતો.
આમ, ભુજવાસીઓમાં ફેલાયેલી ઉત્તેજનાનો આખરે સુખદ અંત આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર હકીકત સામે આવતા કોથળામાંથી બિલાડું નીકળ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો - Kachchh News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભુજના આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ દેખાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી









