દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ભુજ એરપોર્ટ પર હૃદયના ધબકારા વધારી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિમાન જ્યારે લેન્ડિંગની તૈયારીમાં હતું ત્યારે જ ટેકનિકલ ખામી સામે આવતા પાયલટે લેન્ડિંગ પડતું મૂકવું પડ્યું હતું. આશરે એક કલાક સુધી વિમાન ભુજના આકાશમાં ગોળ-ગોળ ફરતું રહ્યું હતું. આ દરમિયાન પાયલટે એક પછી એક ત્રણ વખત લેન્ડિંગ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. વિમાનમાં સવાર મુસાફરો માટે આ એક કલાક અત્યંત ભયજનક સાબિત થયો હતો, કારણ કે વિમાનમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી.
મોટી હોનારત ટળી
અંતે, પાયલટે અત્યંત ધીરજ અને વ્યવસાયિક સૂઝબૂઝનો પરિચય આપતા ચોથા પ્રયાસે વિમાનનું રન-વે પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન જેવું જમીન પર હેમખેમ ઉતર્યું, મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાયલટનો આભાર માન્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ સુરક્ષા પ્રોટોકોલ એક્ટિવ કરી દેવામાં આવ્યા હતા. જો પાયલટે સમયસર યોગ્ય નિર્ણય ન લીધો હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત. હાલમાં એન્જિનિયરોની ટીમ વિમાનમાં આવેલી ખામીની તપાસ કરી રહી છે.
