ગુજરાત જ્યારે બુલેટ ટ્રેનની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધી દોડતી 110 વર્ષ જૂની નેરોગેજ ટ્રેન રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતાનો પુરાવો આપી રહી છે. ગાયકવાડ શાસનકાળની આ હેરિટેજ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પણ પ્રવાસીઓ માટે ભૂતકાળમાં ડોકિયું કરવાની એક સોનેરી તક છે.

લાકડાની હેરફેરથી પર્યટન સુધીની સફર

આ રેલવે લાઇનની શરૂઆત વર્ષ 1913માં 'ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે' દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ડાંગના ગાઢ જંગલોમાંથી કિંમતી સાગના લાકડા લાવવા માટે આ લાઇન નખાઈ હતી. આજે આ 63 કિલોમીટરનો ટ્રેક દક્ષિણ ગુજરાતના સૌથી સુંદર પ્રકૃતિના દ્રશ્યો પીરસે છે.

શિમલાની ટોય ટ્રેન જેવો અનુભવ

આ ટ્રેન કલાકના 20 થી 25 કિલોમીટરની ધીમી ગતિએ દોડે છે, જે મુસાફરોને બહારના દ્રશ્યો માણવા માટે પૂરતો સમય આપે છે. સાડા ત્રણ કલાકની આ મુસાફરીમાં આજે પણ જૂની પરંપરાઓ જળવાયેલી છે. રેલવે કર્મચારી ટ્રેનમાંથી ઉતરીને જાતે ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે - જે આજના ઓટોમેશનના યુગમાં દુર્લભ દ્રશ્ય છે. રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને હેરિટેજ લુકને જાળવી રાખીને તેનો વારસો સાચવ્યો છે.

28 લાખ પ્રવાસીઓની પસંદગી

આ હેરિટેજ ટ્રેન પ્રત્યેનો ક્રેઝ આજે પણ અકબંધ છે. વર્ષ 2023-24 દરમિયાન 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. ગાઢ જંગલો, ગ્રામીણ જીવન અને ખેતરો વચ્ચેથી પસાર થતી આ ટ્રેન સાચા અર્થમાં ગુજરાતનું ઘરેણું સાબિત થઈ રહી છે. પ્રકૃતિના ખોળે વિતાવેલી આ ક્ષણો પ્રવાસીઓના મન જીતી લે છે.

આ પણ વાંચો: Kutch: માંડવીના નાના લાયજા-પાંચોટીયા વિસ્તારમાંથી ચરસના 7 પેકેટ ઝડપાયા