નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. શહેરના એક એપાર્ટમેન્ટને નિશાન બનાવી તસ્કરોએ માત્ર લાખોની મતાની ચોરી જ નથી કરી, પરંતુ ઘરમાલિક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. બીલીમોરાના સાગર દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ ગોહિલના ઘરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરમાં ઘૂસીને કબાટમાંથી સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

સાગર દર્શન એપાર્ટમેન્ટના ઘરમાં ઘૂસીને કરી ચોરી

આ દરમિયાન ઘરના સભ્યો જાગી જતાં તસ્કરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીની ઘટનાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા ઘરમાલિક નરેશભાઈ ગોહિલ પર તસ્કરોએ કુહાડી વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં નરેશભાઈને મૂકી તસ્કરો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત નરેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ બીલીમોરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

નરેશ ગોહિલ ઉપર કુહાડી વડે હુમલો કરીને ફરાર

પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે. એપાર્ટમેન્ટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો