બોડેલી તાલુકાના વાઘવા ગામના સીમાડે આવેલા શિહોદ-વાંકી માર્ગ પર હાઇવા ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રેતીના ભારે વાહનોની અવરજવર માટે જાણીતા આ પંથકમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ દોડતા ભારે વાહનોની સમસ્યાને ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.
તાલુકાના મોટા બુટિયાપુરા ગામના 40 વર્ષીય ઉદેશીંગ આપસિંગ તેમજ પાટિયા ગામના પ્રિતેશ સોમા તડવી બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે વાઘવા ગામના સીમાડે સિહોદ-વાંકી માર્ગ પર હાઇવા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ટ્રકની નીચે ફ્સાઈ જઈને સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગઈ હતી. જેમાં ઉદેશીંગ આપસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિતેશ સોમાભાઈ તડવીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
