બોડેલી : બોડેલી સહિત તાલુકામાં સવારથી જ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરા આનંદ અને ઉલ્લાસ સાથે વિવિધ મંદિરોમાં ઉજવણી કરાઇ હતી. નગરના દ્વારકાધીશ મંદિરમાં સવારે શ્રી દ્વારકાધીશ પ્રભુને સ્નાન કરાવી તિલક કરાવાયું હતું. ત્યારે જય ઘોષના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. બહેનો વિવિધ રંગબેરંગી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ ગરબે ઘૂમી ધોળ-પદ કીર્તનનું ગાન કર્યું હતું. નગરના રામજી મંદિર, જલારામ મંદિર, ગોપેશ્વર મહાદેવ મંદિર, રામ કબીર મંદિર સહિત મંદિરોમાં પણ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. રાત્રે બરાબર બાર કલાકે ભગવાનના પ્રાગટયના દર્શન થયા હતા. ત્યારે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો ઉમળકાભેર વિવિધ મંદિરોમાં પહોંચી દર્શન કરી ધન્ય બન્યા હતા.
