બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન ડાંગરના પાકનું સૌથી સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે, જ્યારે કપાસનો પાક બીજા ક્રમે રહ્યો છે. બીજી તરફ્ સોયાબીન, દિવેલા, અડદ, મગ સહિતના અન્ય પાકોમાં અપેક્ષા મુજબનું ઉત્પાદન ન મળવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડાંગરના પાકમાં સારો ઉતારો જોવા મળતાં ધરતીપુત્રોમાં ક્યાંકને ક્યાંક આશાનું કિરણ જાગ્યું હતું. ચાલુ વર્ષે બજારમાં ચોખાના સારા ભાવને ધ્યાનમાં રાખીને ખેડૂતોને એવી અપેક્ષા હતી કે ડાંગરના ભાવ પણ સારા મળશે અને ખેતી પાછળ કરેલા ખર્ચની સામે યોગ્ય વળતર પ્રાપ્ત થશે. નવી ડાંગરની આવકની શરૂઆતમાં ખેડૂતોને પ્રતિ મણ રૂા. 680 જેટલો ભાવ મળ્યો હતો. જોકે, નવી ડાંગરની આવક વધવાની સાથે બજારમાં ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ટૂંકા ગાળામાં પ્રતિ મણ રૂા. 40નો ઘટાડો થતાં હાલ ભાવ રૂા. 640ની આસપાસ પહોંચ્યો છે. એક તરફ્ ડાંગરના સારા ઉતારાથી ખેડૂતોને રાહત મળી છે. તો બીજી તરફ્ ભાવમાં થયેલા ઘટાડાને કારણે ખેડૂતોની આશા થોડી મોળી પડી છે. જોકે, ખેતીવાડીના બજારમાં આવક, માંગ અને ગુણવત્તા સહિતના પરિબળો ભાવને અસર કરતા હોય છે. આગામી દિવસોમાં બજારની સ્થિતિ કેવી રહે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે. હાલ ધરતીપુત્રોની અપેક્ષા એટલી જ છે કે, ડાંગરના સારા ઉત્પાદનની સાથે બજારમાં પણ પોષણક્ષમ ભાવ જળવાઈ રહે, જેથી ખેતી પાછળ કરેલી મહેનત અને ખર્ચનું યોગ્ય વળતર મળી શકે. ખેડૂતો અને વેપારીઓ બંને માટે સંતુલિત બજારભાવ જળવાઈ રહે તે સમયની માંગ બની છે.
