બોડેલી ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે રૂા.14 કરોડના ખર્ચે જિલ્લા તાલીમ ભવનનું નિર્માણ કાર્ય ચાલે છે. અલીખેરવા વિસ્તારમાં કોતર કિનારે છેલ્લા દોઢ વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીના આક્ષેપો વચ્ચે હવે સ્થળ પસંદગી અને પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠયાં છે.
જિલ્લાના ધો. 1થી 5ના 2260 શિક્ષકો, ધો.6થી 8ના 1185 શિક્ષકો તેમજ આશરે 30 એચ.ટાટ આચાર્યો, મળી કુલ 3475 શિક્ષકો-આચાર્યો માટે આ તાલીમ ભવન મહત્વપૂર્ણ બનવાનું છે. જોકે, દોઢ વર્ષથી બાંધકામ કાર્ય ચાલતું હોવા છતાં ભવન ક્યારે તૈયાર થશે ? અને શિક્ષકોને ક્યારે તાલીમની સુવિધા મળશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે આધુનિક સુવિધા ઉભી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. ત્યારે બીજી તરફ્ તાલીમ ભવન માટે પસંદ કરેલા સ્થળને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. બોડેલી નગરપાલિકા વિસ્તારની બહાર અલી ખેરવા ગામની સીમમાં કોતર કિનારે તાલીમ ભવન માટે જગ્યા પસંદ કરાઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસામાં આ સ્થળની આસપાસ પાણી ભરાય છે. ભારે વરસાદ દરમિયાન આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં તાલીમ ભવન ખાતે આવતા શિક્ષકો, કર્મચારીઓ તથા અન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે તેવી ચિંતા વ્યક્ત કરાઇ છે.
