ગુજરાતમાં પાછલા બે ત્રણ દિવસથી ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને કરોડોના ખર્ચે બનતા સરકારી બાંધકામોની પોલ ખુલી છે. છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી સ્થિત મહત્વપૂર્ણ ઓરસંગ બ્રિજ પર ચોમાસાના પ્રથમ વરસાદમાં જ એક મોટું ગાબડું પડી જતાં સ્થાનિક તંત્ર દોડતું થયું છે. જેને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્રિજ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવાાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ જર્જરિત બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી એક તરફ્ સમારકામ (રિપેરિંગ)ની કામગીરી ચાલતી હતી. તંત્ર દ્વારા સમારકામ પૂરું થાય તે પહેલા જ બ્રિજના બીજા હિસ્સામાં મોટું ગાબડું પડયું હતું. આ ઘટનાએ બ્રિજની જર્જરિત સ્થિતિ અને તેની નબળી ગુણવત્તા પર અનેક સવાલો ઊભા કર્યા છે. ઓરસંગ બ્રિજ એ જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતો એક અત્યંત મહત્વનો પુલ છે. જેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને બંને બાજુથી બ્લોક કરી દેવાયો છે. ટ્રાફ્કિ જામ અને અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોને ડાયવર્ઝન આપીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની કડક સૂચના અપાઇ છે.