બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નગરને આધુનિક સુવિધાઓનો વધુ એક લાભ મળવા જઈ રહ્યો છે. નગરમાં લટકતા વીજ વાયર અને વીજ લાઈનોના કારણે સર્જાતી સમસ્યાને દૂર કરવા માટે આ મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરાઇ છે. બોડેલીના ચાચક વિસ્તારથી કામગીરીની શરૂઆત કરાઇ છે.HDD મશીન દ્વારા જમીનમાં PVC પાઇપો દબાવી વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરની સુરક્ષા, સૌંદર્ય અને વીજ વ્યવસ્થામા સુધારો થવાની સાથે નાગરિકોને પણ મોટી રાહત મળશે.


બોડેલી નગરમાં વર્ષોથી રસ્તા ઉપર અને થાંભલા પર લટકતા વીજ વાયર નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બનતા હતા. ખાસ કરીને ચોમાસામાં વીજ પુરવઠો ખોટકાવાની ઘટના અનેઅકસ્માતોની શક્યતા વધી જતી હતી. જેના કાયમી ઉકેલ માટે હવે વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. કાર્યગીરીના પ્રથમ તબક્કામાં ચાચક વિસ્તારમાં ડ્રિલ મશીન દ્વારા જમીનમાં PVC પાઇપો દબાવવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારબાદ આ પાઇપોમાંથી વીજ વાયરો પસાર કરી હાલ થાંભલા પર લટકતા વાયરોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કરાશે. નગર પાલિકા બન્યા બાદ બોડેલીમાં આધુનિક સુવિધાના વિકાસને વધુ વેગ મળ્યો છે. અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની આ યોજના નગરની સુંદરતા વધારવાની સાથે સુરક્ષિત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની સાબિત થશે. બોડેલીમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની કામગીરી શરૂ થતાં નગરજનોમાં આનંદની લાગણી જોવા મળે છે. આગામી સમયમાં સમગ્ર શહેરમાં આ કામગીરી પૂર્ણ થતાં વીજ વ્યવસ્થામાં સુધારો અને શહેરના વિકાસને નવી દિશા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: