ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં આજે ઈ-મેઈલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. અમદાવાદમાં ધમકી મળેલી શાળાઓની સંખ્યા સતત વધીને હવે 12 સુધી પહોંચી ગઈ છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.


ધમકી મળતા જ પોલીસ એક્શન મોડમાં

ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે અનેક શાળાઓમાં સાવચેતીરૂપે ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી.

AMC દ્વારા કાર્યવાહી

આ તરફ, અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાર્યવાહી યથાવત રહી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર ચાલતી વધુ 13 પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે. વેજલપુર, સરખેજ અને જોધપુર વિસ્તારોમાં આવેલી પ્રિ-સ્કૂલો સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સંસ્થાઓ દ્વારા નિયમોનું પાલન ન કરાતા સીલ

AMCના જણાવ્યા મુજબ, સંબંધિત પ્રિ-સ્કૂલો દ્વારા BU પરમિશન લેવામાં આવી ન હતી તેમજ ઇમ્પેક્ટ ફી પણ ભરવામાં આવી નહોતી. અગાઉ અનેક વખત તાકીદ કરવા છતાં સંસ્થાઓ દ્વારા નિયમોનું પાલન ન કરાતા અંતે સીલ કરવાની કાર્યવાહી કરવી પડી છે. સતત બીજા દિવસે પણ અંદાજે 13 જેટલી પ્રિ-સ્કૂલોને તાળા વાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગંભીર ઘટનાઓથી સુરક્ષાનો પ્રશ્ન 

એક તરફ શાળાઓને બોમ્બ ધમકી જેવી ગંભીર ઘટનાઓથી સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે બીજી તરફ AMC દ્વારા નિયમોના કડક અમલથી શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમન અને સલામતી અંગે ચર્ચા વધુ તેજ બની છે. વહીવટી તંત્ર દ્વારા બંને મુદ્દાઓને ગંભીરતાથી લઈને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે પળ પળનું ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ સંદેશ ન્યૂઝમાં

આ પણ વાંચો : Ahmedabad School Bomb Threat : વધુ બે સ્કૂલો નિશાના પર, ચાંદખેડા અને અડાલજની સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


  • Follow us on: