બોરસદ શહેરમાં સફાઇ કર્મચારીઓ 22-22 દિવસથી કાયમી કરવા અને વેતન વધારાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે. સફાઇ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા શહેરમાં રબારી ચકલા, માળી ચકલા, બ્રાહ્મણવાડા, ગાંધી ગંજ પાસે, જુની શાકમાર્કેટ, ચોક્સીબજાર સહિત ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત વર્તાઇ છે. તેમજ સૌના આૃર્ય વચ્ચે 22 દિવસથી હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને મળવા પ્રમુખ કે ચીફ ઓફિસરે તસ્દી ન લેતા કર્મીઓમાં સત્તાધિશો સામે ઉગ્ર રોષ વ્યાપ્યો છે. વારંવાર અનેક વખત રજુઆત કરવા છતા સફાઇ કામદારોની રજુઆત ન સાંભળવામાં આવતા આખરે તેઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. બોરસદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મીઓ તેઓને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીઓના લાભો આપવા માંગ કરી છે. તેઓની માંગને પાલિકા દ્વારા સ્વિકારવામાં ન આવતા 22 દિવસથી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. તેમ છતા સત્તાધિશ એવા પ્રમુખ કે સીઓએ સફાઇ કામદારોનો પ્રશ્ન ઉકેલવા રસ ન દાખવતા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા છે. અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેથી રોગચાળો ફેલાવાની ભીતી વ્યક્ત કરાઇ છે. કર્મચારીઓએ માંગ કરી છે કે તેઓને કાયમી કરવા અંગેનો ઠરાવ કરી રાજ્ય સરકારને દરખાસ્ત કરે તેમ છતા તેઓની રજુઆતને કુંભકર્ણની નીંદ્રામાં પોઢેલા અધિકારી અને પદાધિકારીના કાને સંભળાતી નથી. હડતાલના કારણે કર્મચારીઓ દિવાળીનો તહેવાર પણ ઉજવી શક્યા નથી. ગંદકીના કારણે સમગ્ર શહેર નર્કાગારમાં ફેરવાઇ ગયું છે. તેમ છતા તંત્ર માત્ર તમાશો નિહાળી સંતોષ માનતું હોવાની સ્થિતિ ઉભી થઇ છે.
