બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ગત 15 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે બનેલી જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બાઇક પર જઈ રહેલા શબ્બીરભાઈ નિયાતર પર કાર ચઢાવી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનારા 4 આરોપીઓ પૈકી બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસની કાર્યવાહી અને રીકન્સ્ટ્રક્શન
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી અને તોસીફ રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ઘટનાની ચોક્કસ કડીઓ મેળવવા માટે પોલીસે બંને આરોપીઓને સાળંગપુર રોડ પર ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓએ કઈ રીતે કાર ચઢાવી અને હુમલો કર્યો તેની ઝીણવટભરી માહિતી એકઠી કરી હતી.
બાઇક પર ફોરવ્હીલર કાર ચઢાવી દીધી
ગત 15 ફેબ્રુઆરીની વહેલી સવારે જ્યારે શબ્બીરભાઈ નિયાતર પોતાના બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમની પાછળ ફોરવ્હીલર કાર ચઢાવી દીધી હતી. આ હુમલામાં શબ્બીરભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. શબ્બીરભાઈએ આ મામલે ફિરોઝ ઉર્ફે કાજી, તાહિર ઉર્ફે ફાઈટર, તોસીફ જાંગડ અને સુફિયાન ખલ્યાણી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.
બાકીના બે આરોપીઓ વોન્ટેડ
પકડાયેલા બે આરોપીઓની પૂછપરછમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ તાહિર ઉર્ફે ફાઈટર જાંગડ અને સુફિયાન સીરાજભાઈ ખલ્યાણી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. બોટાદ પોલીસે આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ