રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે શુક્રવારે રાજકોટ ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડયો હતો. તેમજ ગામની સીમમાંથી ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહન સામે મોટી કાર્યવાહી કરતાં આશરે રૂ. 2 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. રાજકોટ ટીમના દરોડાથી બોટાદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. રાજકોટ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં આ વાહનો ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહનમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલને આરદ્રા એગ્રીગેટના સ્ટોન ક્રશર ખાતે સીઝ કરી રાખવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એક્સકેવેટર મશીનના માલિક તરીકે મહાવીરસિંહ ચંદ્રસિંહ સોલંકી તથા ત્રણેય ડમ્પરના માલિક તરીકે પ્રદીપસિંહ જુવાનસિંહ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પર ખનનની માપણી કરવામાં આવી છે અને હવે આગળની દંડકીય કાર્યવાહી સંબંધિત કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.
