બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના 80મા સ્વાતંર્ત્ય પર્વ નિમિત્તે બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ગૌરવ અને દેશભક્તિના માહોલમાં યોજાઈ હતી. ધ્વજારોહણ બાદ પરેડનું નિરીક્ષણ, વિકાસલક્ષી કામગીરીની રજૂઆત, અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન, વિદ્યાર્થીઓની રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોએ બોટાદને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધો હતો.

બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના 80 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો શુભારંભ પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના હસ્તે ધ્વજારોહણથી થયો હતો. તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધી વિકસિત ભારતના નિર્માણમાં બોટાદ જિલ્લો પ્રગતિના નવા આયામો સર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતના સ્વાતંર્ત્ય સંગ્રામના યોગદાનને યાદ કરી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રન્સ અંતર્ગત બોટાદમાં રૂ.300 કરોડના રોકાણ માટે 11 એમએસએમઈ એકમો દ્વારા કરાયેલા કરારોનો ઉલ્લેખ કરી રોજગારીની નવી તકો સર્જાવાની આશા વ્યક્ત કરી હતી તાજેતરના ભારે વરસાદ દરમિયાન એનડીઆરએફ્, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, 108 અને પીજીવીસીએલની ટીમોએ કરેલી રાહત-બચાવ કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં 153 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ 4,929 બાળકોને પ્રવેશ અપાયો છે, જ્યારે નમો લક્ષ્મી યોજના હેઠળ રૂ.6.03 કરોડ અને નમો સરસ્વતી યોજના હેઠળ રૂ.1.44 કરોડની સહાય ચૂકવાઈ છે. 1,125 બાળકોને વિનામૂલ્યે પરિવહન અને આરટીઈ હેઠળ 3,371 વિદ્યાર્થીઓને રૂ.1.01 કરોડની સહાય આપવામાં આવી છે આરોગ્ય ક્ષેત્રે મેદસ્વિતા મુક્ત ભારત અભિયાન હેઠળ 6,895 વ્યક્તિઓનું બીએમઆઈ સ્ક્રીનિંગ કરાયું છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 358 બાળકોને રૂ.129.16 લાખ અને 327 એકલવાયા બાળકોને રૂ.70.58 લાખની સહાય મળી છે. બાગાયત ક્ષેત્રે 2,501 હેક્ટરમાં ફ્ળઝાડ વાવેતર થયું છે અને 2,025 લાભાર્થીઓને રૂ.11.82 કરોડની સહાય અપાઈ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાં 6,386 અને ગ્રામ્ય વિસ્તારમાં 35,060 શૌચાલયોનું નિર્માણ થયું છે.

વિવિધ વિકાસ યોજનાઓ હેઠળ રૂ.12.63 કરોડના આશરે 350 કામો, રાષ્ટ્રીય પર્વ અંતર્ગત રૂ.80 લાખના 25 કામો અને એટીવીટી યોજના હેઠળ રૂ.5.35 કરોડના 172 કામોને મંજૂરી આપવામાં આવી છે. માર્ગ સલામતી અને નાગરિકલક્ષી કામગીરી બદલ બોટાદ આરટીઓને નેશનલ રોડ સેફ્ટી એક્સેલન્સ એવોર્ડ-2026થી રાષ્ટ્રીય સન્માન મળ્યું છે વિદ્યાર્થીઓએ જગાવ્યો રાષ્ટ્રભાવ સ્વાતંર્ત્ય પર્વની ઉજવણીમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. લાઠીદડ કન્યા વિદ્યાલયની 30 વિદ્યાર્થિનીઓએ રાણી લક્ષ્મીબાઈના શૌર્યને જીવંત કર્યું હતું. આર.એ. કળથીયા સ્કૂલની 25 વિદ્યાર્થિનીઓએ મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. બરવાળાની એલ.જે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલની 30 વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓએ ગુજરાતી લોકનૃત્યો રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.આ પ્રસંગે જિલ્લાના વિકાસ માટે કલેકટર હર્ષદ વોરાને રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રશસ્તિપત્રથી સન્માન કરાયું હતું. અંતે મહાનુભાવોએ સરકારી હાઈસ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, કલેકટર હર્ષદ વોરા, ધારાસભ્યો શંભુનાથ ટુંડિયા, કાળુભાઈ ડાભી અને, ડીડીઓ ભરત પરમાર, બોટાદ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિત અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો