ખોપાળા કેન્દ્રવર્તી શાળા પીએમ ગુજરાત ખાતે વિજ્ઞાનથી વિકસિત ભારતની થીમ હેઠળ ડૉ. હોમી ભાભા ગણિત-વિજ્ઞાન ઉત્સવ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગણિતીય મોડેલ, વૈજ્ઞાનિક પ્રયોગો અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. દરમિયાન, ક્લસ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ખોપાળા શાળાની વિદ્યાર્થીનીઓ પ્રાચીબા જયપાલસિંહ ચૌહાણ અને ભૂમિ દોલતભાઈ સાટીયાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ વિભાગમાં બંનેએ દહનશીલ કચરાનું વ્યવસ્થાપન અને વીજળી ઉત્પાદન વિષય પર કૃતિ રજૂ કરી હતી. માર્ગદર્શક શિક્ષક વિનોદકુમાર વિઠ્ઠલભાઈ ભાલાળાના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ સફ્ળતા બદલ શાળા પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીનીઓ અને શિક્ષકને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. ઉત્સવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેથેમેટિકલ મોડેલિંગ, હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, સ્વદેશી કૃષિ પદ્ધતિઓ તથા આપત્તિ વ્યવસ્થાપન સહિતના પાંચ વિભાગો આવરી લેવાયા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેની ઉપયોગિતા સમજાવી હતી. કાર્યક્રમમાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો