બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાજણાવદર ગામે નજીવી બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. વાડીમાં ચાલવાના રસ્તા જેવા મામૂલી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે કૌટુંબિક ભાઈઓ સામસામે આવી ગયા હતા. આ મારામારીમાં બંને વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાજણાવદર ગામની સીમમાં વાડીમાં ચાલવાના રસ્તા બાબતે રાજુભાઈ શંભુભાઈ ચૌહાણ અને ટીચુભાઈ તળસીભાઈ ચૌહાણ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો.

વાડીમાં ચાલવાના રસ્તા બાબતે ચાલતો હતો ઝઘડો

આજે આ બાબતે ફરીથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ શાબ્દિક યુદ્ધ હિંસક મારામારીમાં ફેરવાઈ ગયું હતું અને બંને પક્ષે ઉગ્ર હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ લોહિયાળ સંઘર્ષમાં રાજુભાઈ ચૌહાણ અને ટીચુભાઈ ચૌહાણ બંનેને શરીરે વધ-ઘટ પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બન્ને ભાઈઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને રસ્તાના વિવાદમાં થયેલી આ મારામારી અંગે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં નજીવા જમીન વિવાદમાં થયેલી આ હિંસક ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો