બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એક ગાયને હડકાવ ઉપડતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ હડકાયેલી ગાયે શહેરના બજાર વિસ્તારમાં કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.ઘટનાની જાણ થતાં જ ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરના કાર્યકરો પોતાના સાધનો અને વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
હડકાયેલી ગાય બની ભયનું કારણ
ગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે મોડી રાત સુધી સતત અને અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ રેસ્ક્યુ ઓપરેશનમાં ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરની સાથે શહેરના સામાજિક આગેવાનો તથા જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. રાણપુરની મેઈન બજાર, ગી-બી રોડ, અણીયાળી રોડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે પકડી યોગ્ય સ્થળે બાંધવામાં આવી હતી.










