વૃક્ષો જેની છાયામાં વિસામો, ઠંડક અને શાંતિ મળે છે. જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ “પ્યારી પીંપર પદમણી, શાંતિ દાન દેનારી; ભૂપતિ વિક્રમ ભોજસમ, તું અતિશે ઉપકારી” પંક્તિ કવિ દલપતરામની રચના “બાપાની પીપર”માં ખુબ જ સુંદર વર્ણન કર્યું છે. આ કાવ્ય રચનામાં ગ્રીષ્મ ઋતુમાં એક પીપળો વટેમાર્ગુને આપતી આહલાદક શાંતિ વિશેનું અદભુત વર્ણન જોવા મળે છે. તો આવા અનેક નાના મોટા વુક્ષોથી પથરાયેલ વિસ્તાર પૃથ્વીના અનેક જીવાનોને શાંતિ આપે છે. આવા વિસ્તારને આપણે સૌ વન તરીકે ઓળખીએ છીએ.
મિયાવાકી વન અનેકવિધ વિશેષતા ધરાવતા વનો છે
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને સજીવના મિત્રો કહ્યા છે. પીપળો, તુલસી, આસોપાલવ, આંબો, નારિયેળ, કેળ, અશોક સહિતના વૃક્ષો સાથે આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે. સાથોસાથ આ વૃક્ષો ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. પરંતુ આજના ઝડપી યુગમાં વૃક્ષો તથા ગ્લોબલ વોર્મિગના લીધે સજીવસૃષ્ટિને ખુબ જ ઊંડી અસર થઇ રહી છે. જેની સામે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૧૨થી “વિશ્વ વન દિવસ”ની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી. ભારત સરકાર દ્વારા વૃક્ષો વાવો અને જતન કરો, મિશન લાઈફ, વન કવચ, વન કુટીર સહિતની અનેકવિધ યોજનાઓ અમલીકરણ કરાઈ છે. સાથોસાથ ગુજરાત રાજ્યમાં પ્રકૃતિ સંવર્ધન માટે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાની વિશેષતા આધારિત વન બનાવવામાં આવ્યા છે. શહીદ વન, રક્ષક વન, રામ વન સહિત દેવભૂમિ દ્વારકામાં નમો વડ વન, કચ્છમાં સ્મૃતિ વન, નર્મદા એકતાનગરમાં વિશ્વ વન, આરોગ્ય વન તથા મિયાવાકી વન અનેકવિધ વિશેષતા ધરાવતા વનો છે.
બોટાદ જિલ્લામાં રોપા ઉછેર માટેની પાંચ ખાતાકીય નર્સરીઓ આવેલી છે
જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન વિભાગની યોજનાઓ અન્વયે જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાઓમાં વૃક્ષખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રીત નર્સરીઓ, સ્મશાન સગડી, નિર્ઘમચુલાનું વિતરણ કરવામાં આવે છે. જેમાં વૃક્ષખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં લાભાર્થીઓને વૃક્ષ ઉછેરવા માટે એક રોપા દીઠ રૂ.૧૪ પ્રથમ વર્ષે, ત્યાર બાદ રૂ.૦૭ પછીના ત્રણ વર્ષ સહાય પૂરી પાડવામાં આવે છે. જેના લીધે વિકેન્દ્રીત નર્સરીઓના ૧૩૫ લાભાર્થીઓ દ્વારા નર્સરી ઉછેર કરવામાં આવે છે. વન વિભાગ હેઠળ બોટાદ જિલ્લામાં રોપા ઉછેર માટેની પાંચ ખાતાકીય નર્સરીઓ આવેલી છે.
10 હજાર રોપા રોપીને વનકવચનું નિર્માણ કરવામાં આવ્યું છે
બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં રૂ.૧૭૫ લાખના ખર્ચે કુલ-૫ કવચવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવેલ છે. આ કવચવનનું નિર્માણ બોટાદ તાલુકામાં એસ.ટી.પ્લાન્ટ પાસે સાળંગપુર રોડ બોટાદ ખાતે રૂ. ૩૭.૫૦ લાખના ખર્ચે ૧.૫૦ હેકટરમાં ૧૫,૦૦૦ રોપાઓ, ભુતડાદાદાનું મંદિર સાલૈયા ખાતે ૩૭.૫૦ લાખના ખર્ચે ૧.૫૦ હેકટરમાં ૧૫,૦૦૦ રોપા રોપવામાં આવ્યા છે. બરવાળા તાલુકામાં વહિયા ખાતે રૂ. ૨૫ લાખના ખર્ચે ૧ હેકટરમાં ૧૦,૦૦૦ રોપાઓ, બરવાળા ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ર હેકટરમાં ૨૦,૦૦૦ રોપાઓ રાણપુર તાલુકામાં ધારપીપળા ખાતે રૂ. ૨૫ લાખના ખર્ચે ૧ હેકટરમાં ૧૦,૦૦૦ રોપા રોપીને વનકવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાંભણ મુકામે પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં તેમજ ખેડુતોમાં વન, પર્યાવરણ, પ્રકૃતિ અને વન્યજીવો અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. વન તથા અભયારણ્યની નજીકના વિસ્તારમાં રહેતા માનવો તેમજ માલઢોરને વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી માનવ/માલઢોરને થતું મૃત્યુ/ઈજા માટે સરકાર દ્વારા નકકી કરેલ નાણાકીય સહાય ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં અનુસુચિત જાતિના લોકોને સામાજીક અને ધાર્મિક કાર્યો કરવા માટે ભાંભણ મુકામે પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સને ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષમાં બોટાદ તાલુકામાં રૂ.૧૦ લાખના ખર્ચે જગન્નથજીનું મંદિર ખાતે પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નર્સરીઓમાં વિવિધ જાતોનાં અંદાજીત 9.37 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા
વધુમાં આવનાર ચોમાસાની ઋતુમાં બોટાદ જિલ્લાની પ્રજાને જરૂરી રોપાઓ તેમની નજીકની નર્સરીમાંથી મળી રહે તે માટે સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા કુલ પાંચ ખાતાકીય નર્સરીઓમાં વિવિધ જાતોનાં અંદાજીત ૯.૩૭ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. તેમજ લખપતી દીદી યોજના હેઠળ કેશરી લખપતીદીદી જુથ નર્સરીના બહેનો દ્વારા ૫૦,૦૦૦ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં "એક પેડ માં કે નામ'' અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજિત ૧૩.૬૪ લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Botad News : બોટાદમાં ટ્રાફીક, ભારે વાહન, પાર્કિંગ, વન-વે સહિત ટ્રાફિક સમસ્યાને નિવારવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ