જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા મિશન લાઈફ અંતર્ગત ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નિમુબેને જણાવ્યું હતું કે, આ મેળામાં સખી મંડળના ૨૬ સ્ટોલમાં સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં, પ્રાકૃતિક કૃષિ, મધ, દેશી ઘી, પંચગવ્યથી બનાવેલ અગરબતી, સાબુ, ધૂપ, વિવિધ ફ્લેવરના ખાખરા, મુખવાસ, શાલ, હિંચકા, શો પીસ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.


બહેનોએ પોતાની રીતે વસ્તુઓ બનાવી

મંત્રીએ જણાવ્યું હતું કે, હસ્તકલા ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર બને ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મિશન લાઇફ અન્વયે મહિલાઓને આત્મનિર્ભર બનવા તક પૂરી પાડવામાં આવે છે. જે અન્વયે બહેનો પોતાની રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે તથા પોતાના કાર્યોથી ઓળખ ઊભી કરી શકે છે.

નિમુબેન બાંભણીયાના હસ્તે શુભારંભ કરી મેળો ખુલ્લો મુકાયો હતો

આ પ્રસંગે વેચાણ અને પ્રદર્શન મેળાનો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે શુભારંભ કરી મેળો ખુલ્લો મુકાયો હતો. તથા કેન્દ્રીય મંત્રીએ સખી મંડળના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને સખી મંડળની બહેનોએ બનાવેલ ચીજ વસ્તુઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેકટ પી.એલ. ઝણકાત, ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર ભાર્ગવ પટેલ, અગ્રણી મયુરભાઈ પટેલ તથા પાલજીભાઈ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ



  • Follow us on: