બોટાદ શહેરમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા પાળીયાદ રોડ પર એક યુવક પર ચાર શખ્સોએ જાહેરમાં લાકડીઓ વડે તૂટી પડી ઢોર માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
બોટાદમાં જાહેરમાં બેરહેમીથી માર માર્યો
ઘટનાની વિગત મુજબ, ગત ૧૬ ડિસેમ્બરના રોજ ઇમરાન મનસુરભાઈ ગાંજા નામનો વ્યક્તિ પાળીયાદ રોડ પર આવેલી 'હજામની શિનડી' પાસેની તુલસી લોજમાં જમવા ગયો હતો. ઇમરાન જ્યારે લોજમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે અચાનક ચાર જેટલા અજાણ્યા શખ્સો હાથમાં લાકડીઓ લઈને ધસી આવ્યા હતા. આ શખ્સોએ કંઈ પણ વિચાર્યા વગર ઇમરાન પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
CCTV ફૂટેજમાં દ્રશ્યો કેદ
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, હુમલાખોરો કેવી રીતે બેરહેમીથી યુવકને રસ્તા પર પાડીને લાકડીઓ ફટકારી રહ્યા છે. યુવક પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરે છે પરંતુ ચારેય શખ્સો તેને ઘેરીને ઢોર માર મારે છે. આ હુમલા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ઇમરાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
ઇમરાન મનસુરભાઈની ફરિયાદના આધારે બોટાદ પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ થયેલા CCTV ફૂટેજને કબજે કર્યા છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરવાની તજવીજ તેજ કરી છે. જાહેરમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ડાકોર-કપડવંજ રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું કમકમાટીભર્યું મોત