સાળંગપુર પવિત્ર અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શનિવારે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી દાદાને વિશેષ વાઘા અને અલંકારો ધારણ કરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
દાદા સમક્ષ પેંડા, બરફી, લાડુ, કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે મંગળા અને શણગાર આરતી યોજાઈ હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. અધિકમાસ નિમિત્તે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞ પણ ચાલી રહ્યો છે.










