બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
માત્ર રાણપુર શહેર જ નહીં, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. રાણપુરના માલણપુર, ખોખનીયા, રાજપરા, નાગનેશ અને બોડીયા સહિતના આજુબાજુના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, પવનની ગતિ વધુ હોવાથી કેટલાક સ્થળોએ મુશ્કેલી પણ જોવા મળી હતી.
