બોટાદ જિલ્લાના તાજપર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની અને સસરાના સતત ત્રાસથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રવધૂ અને તેના પિતા (સસરા) વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પત્ની અને સસરાના સતત ત્રાસથી આત્મહત્યા 

તાજપર ગામના રહેવાસી ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક ભરતના લગ્ન આશરે દસ માસ પહેલા રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે થયા હતા. આ લગ્ન સંબંધે એક ગંભીર બાબત સામે આવી છે કે, ભરત રાઠોડે યુવતીના પિતા હરેશભાઈ મકવાણાને લગ્ન કરવા માટે રૂ. 5 લાખ આપ્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટી હતી.

 સસરા અને પત્ની આપતા હતા ધમકી

આ ઘટના બાદ પણ મૃતક યુવકને તેના સસરા હરેશભાઈ અને પત્ની પુનમબેન સતત ધમકીઓ આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને અને લાગી આવવાના કારણે ભરત રાઠોડે અંતે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે મૃતક યુવકે અગાઉ પોલીસને અરજી પણ આપી હતી.

પોલીસ ફરિયાદ અને તપાસ

મૃતક ભરતના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે તાત્કાલિક રૂરલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પુનમબેન અને દિકરાના સસરા હરેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે રેફડા ગામના હરેશભાઈ કરશનભાઈ મકવાણા અને પુનમબેન હરેશભાઈ મકવાણા વિરુદ્ધ કલમ 108, 351(3), અને 54 મુજબ ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: