ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ ધાણોધરડા ગામના પાટીયા નજીક એક કરૂંણ ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં મુળ ઓગડ તાલુકાના વડા ગામનો અને છેલ્લા ઘણા સમયથી રામપુરા ગામે તેની સાસરીમાં રહેતો 35 વર્ષીય યુવક તેની દિકરી માટે ચાણસ્માથી દવા લઈને કારમાં પરત ઘરે જતી વખતે ધાણોધરડા ગામના પાટીયા નજીક આગળ જતાં ડમ્પર ચાલકે અગમ્ય કારણોસર બ્રેક મારતાં ડમ્પર ઊભું થઈ જતાં પાછળ આવતી કાર ડમ્પરના પાછળના ભાગે ઘુસી જતાં કારના આગળના ભાગમાં કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત સાસરી પક્ષના લોકો અને અન્ય લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા બાદ ત્યાંથી અંતિમ ક્રિયા માટે માદરે વતન વડા લઈ જવાયો હતો. આ અંગે ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ ઓગડ તાલુકાના વડા નજીક બલોચપુરા ગામનો 35 વર્ષીય હિતેન્દ્રસિંહ કાન્તુભા વાઘેલા નામનો યુવક તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાસરી ચાણસ્માના રામપુરા ગામે છેલ્લા ઘણા સમયથી રહેતો હતો અને ધાણોધરડા નજીક આવેલ ગ્લાસની કંપનીમાં નોકરી કરતો હતો. યુવક મંગળવારે બપોરના સમયે તેની દિકરીની દવા લઈને કારમાં ચાણસ્માથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન મહેસાણા હાઇવે પર આવેલ ધાણોધરડા ગામના પાટીયા પાસે મહેસાણા તરફ્ જતા ડમ્પરના ચાલકે અગમ્ય કારણોસર બ્રેક મારતાં ડમ્પર ઊભું થઈ ગયું હતું અને કાર ડમ્પરની પાછળ ઘુસી જતા કારના આગળના ભાગમાં કચ્ચરઘાણ વળી ગયો હતો અને અકસ્માત બાદ ડમ્પર ચાલકે ત્યાંથી થોડે જ દુર આવેલ પેટ્રોલપંપ પર ડમ્પર મુકીને નાસી છૂટયો હતો. ઘટનાની જાણ થતા જ 108 સહિત પોલીસ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં ફ્સાયેલા ચાલક યુવકને ભારે જહેમત બાદ બહાર કાઢી ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ વાલી વારસોને સોંપ્યો હતો. આ અંગે ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો