ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામના વતની અને ચાણસ્મા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઠાકોર જશવંતસંગ ગાંડાજીનું ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ગત તા. 30-11-2025ના રોજ તેઓ વાપી-ચાણસ્મા રૂટ પર બસ લઈને વડોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેલર સાથે બસ અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જશવંતસંગનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. દરમિયાન, જશવંતસંગનું સેલરી એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ્ ઈન્ડિયા(SBI)ની ચાણસ્મા શાખામાં ગોલ્ડ એકાઉન્ટ હોવાથી બેંકના અકસ્માત વીમાના નિયમો મુજબ ફેટલ એક્સિડન્ટના કિસ્સામાં રૂ. એક કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી. આ અંતર્ગત તા. 06-11-2026ના રોજ SBI ચાણસ્મા શાખાના બ્રાન્ચ મેનેજરતુષાર ઠક્કરના હસ્તે મૃતકનાં ધર્મપત્ની તારાબેનને રૂ. એક કરોડનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ચાણસ્મા ડેપો મેનેજર મનીષાબેન ચાવડા, એસટી સંગઠનના આગેવાનો, ડેપોના કર્મચારીઓ તેમજ મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અકસ્માતમાં પરિવારના મોભી ગુમાવ્યાના દુઃખ વચ્ચે બેંક દ્વારા મળેલી આર્થિક સહાય પરિવાર માટે મોટી રાહતરૂપ બની છે.
