ચાણસ્મા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રેલવે લાઈન મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત કર્યા બાદ કરોડોના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બંધ થયેલી રેલવે સેવા ચાલુ કરવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે. ચાણસ્મા રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને હવે વેપાર ધંધાને પણ વધું વેગ મળશે તેમજ નજીવા ભાડામાં મુસાફરી સરળ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રેલવેનું નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા ફુલો વરસાવી સ્વાગત કર્યું હતું. દિવાળીના તહેવારો અગાઉ જ ચાણસ્મા સહિત પંથકને સરળ મુસાફરી માટે એક ભેટ મળી છે. આશરે નવેક વર્ષથી બંધ થયેલી ટ્રેન સેવા ફરીથી ધબકતી થવા પામી હોવાથી નગરજનો સહિત પંથકમાં ખુશી છવાઈ ગઈ હતી. સાબરમતીથી મહેસાણા વચ્ચે બે જોડી ટ્રેન એટલે કે ચાર મેમુ ટ્રેનો દોડશે. જેને ચાણસ્મા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા તથા રણુંજ અને મહેસાણા સુધીનો ટ્રેનોનો રૂટ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. રેલવે સેવા શરૂ થતાં જ પ્રથમ દિવસે લોકોએ ટ્રેનમાં સવાર થઈને બેચરાજી ખાતે માં બહુચરના દર્શન કર્યા હતા. તેમજ ટ્રેન શરૂ થતાં વિદ્યાર્થીઓ સહિત વેપારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થશે તેમ નગરજનોએ જણાવ્યું હતું.
