ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા જોડાવાટ ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશના દિકાલ કૂવા ગામથી ગુજરાતના ગોંડલ ખાતે મજૂરી કામ માટે જઈ રહેલા એક શ્રમિક પરિવારને કાળ આંબી ગયો હતો. મુસાફરો અને બાઇકો ભરીને ઓવરલોડ જઈ રહેલી એક ક્રુઝર (તુફાન) કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તુફાન કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, તુફાન કારનો ડ્રાઇવર ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો અને સામાન ભરીને જોખમી રીતે ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત સમયે કારમાં 4 થી 5 નાના ભૂલકાઓ સહિત 20 થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં તમામ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે 4 થી 5 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માસૂમ બાળકો પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.










