છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાઓની ખરાબ હાલત હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છોટાઉદેપુર-ઝોઝ હાઇવે પર આવેલા ખાડાઓના કારણે આજે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. તંત્રની ઘોર બેદરકારી સામે હવે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
બાઇક સ્લીપ થતા મહિલા લોહીલુહાણ
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર-ઝોઝ હાઇવે પર આવેલા ચિલરવાંટ ગામ પાસે રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. આજે એક બાઇક સવાર અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાડાના કારણે બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
તંત્ર સામે ગ્રામજનોનો ગંભીર આરોપ
ચિલરવાંટ ગામના લોકોમાં આ માર્ગને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે, આ હાઇવે પર ખાડાઓને કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે.ભૂતકાળમાં આ જીવલેણ ખાડાઓએ કેટલાય લોકોનો ભોગ લીધો હોવાનો પણ લોકોએ દાવો કર્યો છે.વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી.
આવતીકાલે આંદોલનનું એલાન
રસ્તાની ખરાબ હાલત અને સતત થતા અકસ્માતોથી કંટાળીને ગ્રામજનોએ હવે આરપારની લડત આપવાનું નક્કી કર્યું છે. તંત્રને જગાડવા માટે આવતીકાલે ચિલરવાંટ ગામે ગ્રામજનો દ્વારા 'રસ્તા રોકો આંદોલન' કરવામાં આવશે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તાનું નક્કર કામ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ