બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લગ્નસરા અને ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો પારો 43 ડિગ્રી પાર જતા જનજીવન પ્રભાવિત થયું છે.
જિલ્લામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ પહોંચી છે. શનિવારે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા લોકો તાપમાં શેકાયા હતા. બપોરે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ગરમીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એક તરફ લગ્નસરા અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ વધે છે. છતાં લોકો કામકાજ માટે બહાર નીકળવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે બપોરના સમયે બહાર નીકળવું જોખમી બની રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે. ગરમીને કારણે શહેરના મુખ્ય બજારોમાં સામાન્ય દિવસ કરતા ઓછી ચહલપહલ જોવા મળે છે. વેપારી પણ બપોરના સમયે દુકાનો બંધ રાખવાનું પસંદ કરે છે. જેના કારણે બજારો સુમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો ઘરમાં A.C.,કુલર તેમજ પંખાનો સહારો લઈ રહ્યા છે. બહાર નીકળતા લોકો માથા પર રૂમાલ, ટોપી અથવા કપડું બાંધીને નીકળે છે. જ્યારે કેટલાક લોકો છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને ધરતીનું અમૃત ગણાતા શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે.










