નસવાડી તાલુકાના ભુતખાન ગામે 7.50 મીટરનો આરસીસી રોડ જે ગત ઉનાળામાં બનાવ્યો હતો. આ આરસીસી રોડ બનાવવાથી ભૂતખાન ગામના લોકોને આવન જાવન માટે રસ્તાની સુગમતા થઇ હતી. પરંતુ ચોમાસામાં રોડ ધોવાતા તેની ઉપર મસમોટો ભૂવો પડી જતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. જેને રિપેર કરવા માગ ઉઠી છે. ભૂતખાન ગામમાં 10થી 15 જેટલા ઘરો છે. આ લોકોને આરસીસી પાકો રસ્તો મળતા આનંદની લાગણી જોવા મળી રહી છે. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના પાણીમાં આરસીસી રોડની સાઈડ શોલ્ડર ધોવાઈ જતા રોડની બાજુમાં મોટા ખાડા પડી ગયા છે. ગામમાંથી પસાર થતા કોતરનું પાણી સીસી રોડ પર ફરી વળતા કોતર પરના નાળા આગળ મસમોટું ગાબડું પડી ગયું છે. તેમજ સીસી રોડની નીચેના ભાગ સુધી ધોવાણ થયેલું છે. ગામના ગોરધનભાઈ જણાવે છે કે, રાત્રે આવતા જતા લોકોને આ મસમોટો ખાડો દેખાતો નથી. લોકો આ મસમોટા ભૂવામાં પડી જવાની ભીતિ સેવી રહ્યાં છે. લોકોને અકસ્માતનો ડર સતાવે છે. જેથી લાગતુ વળગતા તંત્ર દ્વારા આ રોડનું વહેલી તકે સમારકામ કરાવવા માગ ઉઠી છે.
