14
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બોડેલી પંથકમાં રેતીના ખનન અને વહન સાથે સંકળાયેલા વાહનો સામે તંત્ર દ્વારા તપાસની કામગીરી તેજ કરાઇ છે. ખાણ ખનીજ વિભાગ અને બોડેલી મામલતદારની ટીમે મોડાસર ચોકડી ખાતે મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી રેતી ભરેલા 9 જેટલા ડમ્પરો અટકાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાત્રિના 12 વાગ્યા બાદ મોડાસર ચોકડી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ અને બોડેલી મામલતદારની ટીમ દ્વારા રેતી ભરેલા વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું. દરમિયાન 9 જેટલા ડમ્પરો રેતી ભરેલી હાલતમાં મળતા તમામ વાહનોને અટકાવી જરૂરી તપાસ હાથ ધરી હતી. તંત્ર દ્વારા હાલ ડમ્પરોમાં ભરેલી રેતી અંગેના જરૂરી દસ્તાવેજો અને પરવાનગીઓની ચકાસણી કરાઇ છે. જેમાં રોયલ્ટી પાસ, રેતીના ખનન તથા વહનની મંજૂરી, રેતીના સ્ત્રોત સહિતના મુદ્દાની તપાસ કરાઇ રહી છે. ઉપરાંત વાહનોમાં ઓવરલૉડિંગના નિયમોનું પાલન થયું છે કે. નહીં, તે અંગે પણ તપાસ ચાલે છે. મહત્વનું છે કે, એક દિવસ અગાઉ પણ બોડેલી પંથકમાં રેતીના ખનન અને વહન સાથે સંકળાયેલા 7 જેટલા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. તેના એક દિવસ બાદ ફરી મોડી રાત્રે 9 ડમ્પર અટકાવી તપાસ હાથ ધરાતા રેતીના વહન સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર મચી છે. જોકે, અટકાવાયેલા 9 ડમ્પર ગેરકાયદે રેતીનું ખનન કે વહન કરતા હતા કે નહીં તે અંગે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. સમગ્ર મામલે દસ્તાવેજ અને પરવાનગીની ચકાસણી ચાલે છે. તપાસમાં નિયમભંગ સામે આવશે તો સંબંધિત કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો