20
નસવાડી તાલુકાના કુકરદા ગામના ગ્રામજનો માટે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આશરે 3155ની વસતી ધરાવતા કુકરદા ગામના ડુકતા ફ્ળિયાને જોડતા 2.20 કિમી. લાંબા કાચા રસ્તાને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવા કામ શરૂ કરાયું છે. તંત્ર દ્વારા રૂા. 620 લાખનો જોબ નંબર ફાળવાયો છે.
મળતી વિગતો મુજબ, માર્ગની કામગીરી માટે જય કંસ્ટ્રક્શનને વર્ક ઓર્ડર અપાયો છે. કામગીરીના પ્રારંભિક તબક્કા તરીકે હાલમાં રસ્તાની સબગ્રેડની કામગીરી પ્રગતિમાં છે.
માર્ગના ડામરીકરણનું કામ હાથ ધરાતા કુકરદા ગામ સહિત ડુકતા ફ્ળિયાના લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે. ગામડાના આંતરિક વિસ્તારોને પાકા માર્ગથી જોડવાની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં કનેક્ટિવિટી મજબૂત બનશે અને લોકોને અવર-જવરની વધુ સુવિધા મળશે. માર્ગનું કામ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય અને ગ્રામજનોને લાંબા સમય સુધી તેનો લાભ મળે તેવી લાગણી સ્થાનિકોમાં વ્યક્ત કરાઇ રહી છે.
તા.2-10-26ના રોજ ડુકતા ફ્ળીયા ધોધમાં બનેલ બનાવ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન પેટા વિભાગના સંતોષ વસાવા દ્વારા જણાવાયું હતું કે, કુકરદાથી ડુકતા ફ્ળીયા રોડને કાચાથી પાકા ડામર રોડની કામગીરી માટે 620 લાખનો જોબ નંબર મળેલ છે. હાલમાં રસ્તાની કામગીરી પ્રગતીમાં છે. તથા ડુકતા ફ્ળીયાથી ધોધ સુધીનો કાચો રસ્તો પેટા વિભાગીય કચેરી હસ્તકનો નથી. રૂા. 6.20 કરોડના ખર્ચે 2.20 કિ.મીનો આ માર્ગ પાકો બન્યા બાદ કુકરદા ગામના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો