સંખેડા નગરના છેવાડા સમા બહાર ફ્ળિયામાં આવેલ દેશી અખાડો ખંડેર બની જવાની સાથે સેવાસદનના બીજા માળના એક રૂમમાં 20 જેટલા સાધનો સંચાલક ટ્રેનરની ગેરહાજરીને લઈ બંધ હાલતમાં ધૂળ ખાઈ છે. જેને લઇ યુવાનોમાં ભારે આક્રોશ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જીમને વહેલી તકે ચાલુ કરવાની બૂમો સાંભળવા મળે છે. શરીરની તંદુરસ્તી જાળવવા માટેની સૌથી શ્રેષ્ઠ ઋતુ શિયાળાના સમયની હોય હાલ શિયાળાના પ્રારંભ સાથે મોર્નિંગ વોક સાથે કસરત કરવાની મોસમ ખીલી ઉઠી છે. પરંતુ સંખેડાના એક સમયનો એકમાત્ર દેશી અખાડો છેલ્લા 25 વર્ષના સમય ઉપરાંતથી બંધ હાલતમાં છે. જે ફરી શરૂ થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. પરંતુ સંખેડા તાલુકા સેવાસદનના બીજા માળે 20 જેટલા સાધનો સાથે આવેલ જીમને સંચાલક ટ્રેનર જેવાની હાજરી સાથે શરૂ કરવામાં આવે તો અનેક યુવાનોને મોંઘાદાટ ખાનગી જીમમાંથી છુટકારો મળે તેમ છે. એક તરફ સરકાર ગુજરાતના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે યોગ થકે જન જન સુધી પહોંચાડવાની વાતો કરે છે જ્યારે બીજી તરફ્ સેવાસદન જેવી સરકારી મિલકતમાં સાધનો સાથે જીમ હોવા છતાં જેની દરકાર લેવાતી ન હોય યુવાનોમાં નારાજગી છે.
